આજનો બાળક અભ્યાસના ભારથી દબાયેલ છે. યુવાન
વર્ગ નોકરી અને કામધંધાના ટેન્શનમાં જીવે છે. મધ્યમ
વર્ગનો માણસ મોંઘવારીના ભારથી મૂંઝાય છે. ગુરુ-શિષ્ય
એકબીજા જ્ઞાનના અહમ્ કે વિવેકના અભાવથી ત્રસ્ત છે.
ન જાણે જગત આખું કાળના પ્રભાવથી પ્રભાવિત છે.
આ કાળના પ્રભાવમાં આજનો માનવી જાણે કે, જીવન
જીવવાની કળા જ ભૂલી ગયો હોય તેમ લાગે છે.
બાળકથી માંડી વૃદ્ધ સુધી દરેક જણ જાણે ટેન્શનમાં
જીવતા હોય એમ લાગ્યા વગર રહેતું નથી. ચહેરા પર એક
નિસ્તેજતા વાદળની જેમ ઘેરાયેલ લાગે. યુવાનીમાં પણ
ચહેરા પર બુઢાપાનો બોજ દેખાય.
બહારથી દરેક વ્યક્તિ નાટકના કલાકારની જેમ પ્રેમ
કરતી દેખાય, પણ અંદર ખાલીપો વરતાયા વિના લાગે
નહીં. આ એક નવા જમાનાની ભેટ છે, એમ સ્વીકાર્યા
વિના ચાલે નહીં. જે હોય તે, પણ આપણને લાગ્યા વિના
ન રહે કે રાજમાર્ગ મૂકી આપણે એક કેડી-રસ્તે ભટકી
ગયા છીએ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં શાંતિ હોય,
પ્રેમ હોય, સમજણ હોય, આરામ હોય, પણ આમાંનું કશું
જ હાથ લાગતું નથી. રહી જાય છે માત્ર નિરાશાનું એક
કિરણ.
આ બધી નિરાશા પાછળ ક્યાંક છુપાયેલ છે આપણો
અહંકાર, આપણી પદવી, આપણી સત્તા. આ બધાં
આપણને સાચા હૃદયથી પ્રેમ કરતા રોકે છે. પ્રેમ કરવાની
વાત તો છોડો, બે ઘડી હાથમાં હાથ રાખી સુખ-દુઃખની વાત
કરવામાં પણ છોછ અનુભવીએ છીએ. ખરા અંતરથી
હસવાનું તો જાણે ભૂલી જ ગયા છીએ. સવારે કોઈ
બગીચામાં લાફ્ટર ક્લબના ભાઈઓને હા-હા-હા કરતા
જોઈને લાગે કે, હાસ્ય નહીં, પણ અટ્ટહાસ્ય ન કરતા હોય.
માનવી અંદરથી હસવા તલસે છે, પણ પોતાનો સ્વભાવ,
મોટાઈ, શ્રીમંતાઈ, અહમ્પણું રોકી રાખે છે. ખોટું હાસ્ય
છોડી નવું બાળક જેવું જીવન જીવતા શીખવાની આ
યુગમાં બહુ જ જરૂર છે.
બાળક બાળપણમાં આળોટે
યુવાન યુવાનીની મસ્તી માણે
વૃદ્ધ પોતાના અનુભવની આંખથી
નવી પેઢીને રાહ બતાવે.
આ બધી બાબતનો ખયાલ રાખી મેં એક ‘‘જીવન
જીવવાની કળા’’નું કાવ્ય બનાવેલ છે જે અહીં પ્રસ્તુત કરું
છું.
થોડું તમે બોલો, થોડું અમે બોલીએ
અબોલા છોડી જીવન જીવવાની કળા શીખીએ
થોડું તમે આગળ ચાલો, થોડું અમે આગળ ચાલીએ
દૂરી દૂર કરી જીવન જીવવાની કળા શીખીએ
થોડું તમે હસો, થોડું અમે હસીએ
હસતાંહસતાં જીવન જીવવાની કળા શીખીએ
થોડા તમારા અનુભવ, થોડા અમારા અનુભવ
એકબીજાના અનુભવના આધારે જીવન જીવવાની કળા
શીખીએ
થોડી તમે ભૂલો કરી, થોડી અમે ભૂલ કરી
ભૂલોને ભૂલી જીવન જીવવાની કળા શીખીએ
થોડી તમે રાહ જોઈ, થોડી અમે રાહ જોઈ
રાહને પ્રેમ સમજી જીવન જીવવાની કળા શીખીઅ થોડી કડવાશ તમે થૂંકો, થોડી કડવાશ અમે થૂંકીએ
મીઠાશથી જીવન જીવવાની કળા શીખીએ
થોડું તમે રિસાયા, થોડું અમે રિસાયા
ગુસ્સો ઉતારી જીવન જીવવાની કળા શીખીએ
થોડી તમારી નાદાની, થોડી અમારી નાદાની
સમજણનો સહારો લઈ જીવન જીવવાની કળા શીખીએ
થોડું તમારું મન દુભાયું થોડું અમારું મન દુભાયું
‘‘મન-મેળ’’ કરી જીવન જીવવાની કળા શીખીએ
થોડું તમે નમો, થોડું અમે નમીએ
‘‘જય જિનેન્દ્ર’’ કરી જીવન જીવવાની કળા શીખીએ.