‘‘કોરોના’’નો કેર નથી, કેર છે આ બધી મહાસત્તાઓનો,
કીડો ખદબદે છે અંદર, બની મહાસત્તા બધા પર રાજ કરવાનો.
વિશ્વ આખું અંગાર પર ઊભું રહી શાંતિની શોધ કરે છે,
રહી ખુદબેખબર એકબીજાને ખબરઅંતર પૂછે છે.
સત્તા અને સંપત્તિઓના મહારથીઓ અહંકારમાં ડૂબેલા છે,
એકબીજાને મહાત કરવા, અંદરથી બધા સડેલા છે.
રહી ઊભા લાવારસ પર, વિશ્વશાંતિની વાતો કરે છે,
ગોઠવી સૈનિકો સીમા પર અશાંતિની ઘોર ખોદે છે.
ટાપમારી ઊભા છે બધા ‘‘બગલા’’ શિકારની રાહ જોતા,
મહાસત્તા બનવાના મનસૂબા ઘડતા અંદરથી બધા ખોટા.
ભરોસો કરવો કોના પર, બધા જ રાજકારણીઓ એવા,
બધા જ ઊભા છે અજ્ઞાનની આડમાં જ્ઞાનનો ઢોંગ કરતા.
કોઇ બંકો દેખાતો નથી જેને નાઝ હોય માનવીની સેવામાં,
ભૂંસી નાખે બધાં બંધન સીમાઓના લાગી જાવ વિશ્વની સેવામાં.
ન રહે મારું તારું ન રહે રક્ષણ દેશોના સીમાડા કેરું,
જગત આખું એક બની સદા સ્મરણ કરે પ્રભુ તારું.
તોડી દો બંધન ધર્મ, સંપ્રદાય અને વાડાના બની સૌ એક,
છોડી દો ગોરા-કાળા અને ચૉકલેટીના ભેદ, બનો હવે નેક.
બસ વધુ કહેવાનું નથી, બહેરા કાને મારું કોણ સાંભળશે,
થતું રહેશે રામાયણ અને મહાભારત, જીવન આમ જ ચાલશે.
સમજવું હોય તો જોઇ લો પશુઓને, ને આસમાને વિહરતાં પંખીઓને
ક્યાં બાંધ્યા સીમાડા ને ક્યાં બાંધી લક્ષ્મણરેખા, આ બિચારાં પ્રાણીઓએ.