જૂના જમાનાની આ વાત છે. એક નદીના કિનારે નાનું
એવું ગામ અને ગામની બહેનો બળતણ માટે દરરોજ
બપોરના નદીને બીજે કાંઠે જંગલમાં લાકડાં કાપવા જાય
અને સાંજે ગીતો ગાતીગાતી પાછી ફરે. નદીમાં પગ ડૂબે
એટલું જ પાણી હોય. કોઈક વાર ચોમાસામાં વરસાદ પડે
ત્યારે છાતી સુધી પાણી આવી જાય.
એક વખત ચોમાસાના દિવસોમાં કઠિયારણો લાકડાં
કાપવા જંગલમાં ગયેલ. પાછાં ફરતાં તેઓએ જોયું કે
જંગલના એક ઘટાદાર ઝાડની નીચે કોઈ સાધુ ધ્યાનમાં
બેઠેલ. બધી બહેન સાધુનાં દર્શન માટે ગઈ. બહેનો દર્શન
કરતી હતી ત્યાં સાધુની આંખ ખૂલી. બહેનોએ સાધુને
વિનંતી કરી કે, મહારાજ! અમને કંઈક ધર્મોપદેશ આપો.
સાધુ એક મોટો પંડિત હતો અને પંડિતો બોલવામાં
બહુ હોશિયાર હોય. સાધુએ એક કલાક ‘‘શ્રદ્ધા’’ પર આ
બહેનોને પ્રવચન આપ્યું. રામાયણના રામ અને હનુમાનની
વાતો કરી. હુનમાનને રામ પર કેટલી ‘‘શ્રદ્ધા’’ હતી એ
બધી વાતો કહી. રામ પર એટલી શ્રદ્ધા કે પથ્થર પર રામ
લખીને પાણીમાં નાખે તો પથ્થર તરવા માંડે અને જ્યારે
સીતામાતાને લેવા લંકા જવું હતું ત્યારે સમુદ્ર પર પુલ
બાંધવાનો સમય આવ્યો ત્યારે હનુમાને પથ્થર પર ‘રામ’
લખી દરિયામાં મૂકતા ગયા અને પુલ બનતો ગયો.
બસ, તમે પણ આવી શ્રદ્ધા કરી પાણી પર ચાલવા
માગતા હો તો ચાલી પણ શકો. તમારી શ્રદ્ધા સાચા
હૃદયની હોવી જોઈએ. કઠિયારણો સાધુનાં વચન સાંભળી ખુશખુશાલ થઈ
ગઈ. પોતાને જ્ઞાની સમજી પોતાના ગામ તરફ જવા
નીકળે છે. જ્યાં નદી પાસે પહોંચે છે ત્યાં તો નદીના પૂર
જોઈને બધી બહેનો ગભરાઈ ગઈ, પણ તરત સાધુના
શબ્દો યાદ આવ્યા કે શ્રદ્ધાથી રામનું નામ લઈએ તો પાણી
પર પણ ચાલી શકાય. બધી બહેનોએ એકબીજાના હાથ
પકડી ‘‘રામ’’નું હૃદયપૂર્વક સ્મરણ કરતાંકરતાં નદીની પાર
થઈ ગઈ. ખબર ન પડી કે પાણીમાં ચાલતાં હતાં કે
જમીન પર. બધી બહેનો સરળતાથી નદીના બીજા કિનારે
પહોંચી ગઇ.
ફરી બીજે દિવસે લાકડાં કાપવા બધી કઠિયારણો
જંગલમાં જાય છે. લાકડાં કાપી જલદીજલદી ઘર તરફ
પાછી ફરે છે ત્યાં ઝાડ નીચે પેલા સાધુને જોઈને દર્શન
માટે ઊભી રહે છે. સાધુે કહ્યું, બહેનો! હું પણ આજે
તમારી સાથે ગામમાં આવું છું. મારી પાસે લોટ અને દાળ
ખલાસ થઈ ગયાં છે, ગામમાંથી માગીને પાછો આવતો
રહીશ. બહેનો ખુશ થઈ ગઈ. બધાં ચાલતાંચાલતાં નદી
પાસે પહોંચ્યાં ત્યાં તો નદીમાં ગઈકાલ જેટલું જ પૂર
આવેલ. હવે આ જોઈને બહેનો એકબીજાના હાથ પકડી
રામનામ સ્મરણ કરતાં પાણીમાં ચાલવા લાગ્યાં. સાધુએ
બૂમ પાડી, આગળ જતાં નહીં, પાણીમાં ડૂબી જશો. કોઈ
નાવવાળાને બોલાવો. આપણે બધા નાવમાં બેસીને સામે
કાંઠે જઈશું.
કઠિયારણો હસવા લાગી. ‘‘ગુરુદેવ’’, તમે તો ગઈકાલે
કહેલ કે, શ્રદ્ધાથી જો રામનું નામ લઈએ તો પાણી પર
પણ ચાલી શકાય અને અમે તો ગઈકાલે આ નદીમાં
‘‘રામ’’ નામ જપતાંજપતાં નદી પાર કરેલ. અમને તો
હોડી કે નાવની કંઈ જરૂર ન પડી. તમે શા માટે ગભરાવ છે. તમે તો મહાન જ્ઞાની છો, તમે તો અમને જ્ઞાન આપેલ
કે શ્રદ્ધાથી જો પાણી પર ચાલીએ તો પાણી પર પણ
ચાલી શકાય, તમે તો અમારાં કરતાં વધારે જ્ઞાની છો,
તમને હોડીની કેમ જરૂરી પડી?
સાધુ બોલ્યા, બહેનો! આ બધું મેં પુસ્તકોમાં વાંચ્યું હતું
તે તમને કહ્યું હતું. મને તમારા જેટલી ‘‘શ્રદ્ધા’’ નથી. હું
ચાલવા જઈશ તો આ નદીમાં ડૂબી જઈશ.
કઠિયારણોએ કહ્યું, ગુરુદેવ! તમે અમારો હાથ પકડી લો
અને આસ્તેઆસ્તે અમારી સાથે ચાલો, પેલે પાર પહોંચી
જઈશું. ગુરુદેવે બહેનોના હાથ પકડી નદી પાર કરી, પણ
જીવનમાં એને એક અફસોસ રહી ગયો કે મેં આ બહેનોને
‘‘શ્રદ્ધા’’ પર સમજાવ્યું, પણ હું એના જેટલી દૃઢ ‘‘શ્રદ્ધા’’
ઈશ્વર પર રાખી ન શક્યો. શાસ્ત્રો બહુ વાંચ્યાં, પણ શ્રદ્ધા
ન જન્મી. આ બહેનોની શ્રદ્ધાએ બધાને નદી પાર કરાવી
દીધી. હું ભવ પાર કરવા નીકળેલ આવી શ્રદ્ધા ન કરી
શક્યો. ક્યાંથી ભવપાર થવાય. હું પંડિતનો પંડિત જ રહી
ગયો. શ્રદ્ધા મૂલ્યવાન છે, પંડિત નહીં