૨ : ૧૪૪ - મૂર્ખ બેટ

એક ગામમાં એક ધનવાન રહેતો હતો.
ધનવાનને બે પુત્ર. બન્ને પુત્રો મૂરખ જેવા. ભણવા જાય
પણ ભણવામાં કંઈ ભલીવાર નહીં. પિતાએ નક્કી કર્યું કે
આ બન્નેને ભણાવીને કંઈ ફાયદો નથી. ચાલ દુકાને
બેસાડી દઉં અને લગ્ન કરાવી ઠેકાણે પાડી દઉં.
બન્નેને સ્કૂલમાંથી ઉઠાડીને લગ્ન કરાવી દીધાં. સમય
પસાર થતો ગયો. શેઠ ઉંમરલાયક થતા ગયા. શરીરમાં
નબળાઈ વધવા લાગી. રાત થાય એટલે દુકાનના
કામકાજથી પગ દુઃખે, એટલે બન્ને દીકરાઓને બોલાવીને
કહ્યું કે, મારી ઉંમર થઈ ગઈ છે. હવે કામ કરવાથી મારા
પગ બહુ જ દુઃખે છે તો તમે રાતના સૂવા જાવ એ પહેલાં
મારા પગ દબાવીને જજો.
બન્ને દીકરા રાતના પગ દબાવવા આવ્યા એટલે પિતાએ
કહ્યું કે, નાના તું મારો જમણો પગ દાબ અને મોટાને કહ્યું
તું ડાબો પગ દાબ. બન્ને ભાઈઓ આ રીતે દરરોજ
પિતાજીના પગ દાબીને સૂવા જતા.
એક દિવસ રાતના સમયે મોટો ભાઈ પહેલા પિતાજીના
પગ દબાવવા માટે આવે છે. જુએ છે તો પિતાજી ડાબા
પગ પર જમણો પગ રાખીને આરામથી સૂતા છે.
આ જોતાં મોટા ભાઈને ગુસ્સો આવ્યો કે, મારો પગ
નીચે અને નાના ભાઈનો પગ ઉપર. પિતાજી માત્ર નાના
ભાઈને જ ચાહે છે. મારી પાસે તો માત્ર કામ કરાવવા જ
માગે છે. હું મોટો છું તોપણ મારું અપમાન કરાવવામાં જ
પિતાજીને મઝા આવે છે.
મોટા ભાઇએ ગુસ્સામાં ને ગુસ્સામાં પિતાજીના પગ
દાબતાદાબતા જમણા પગને હાથમાં પકડી નીચે પટક્યો.
પિતાજીએ એને બહુ સમજાવ્યો, પણ મોટો ભાઈ બોલવા
લાગ્યો, તમને નાનો જ ગમે છે, એ જે કરે તે બધું સારું,
હું કંઈ પણ કરું તે ખરાબ. આટલી વાત કરી એ બહાર
નીકળે છે ત્યાં નાનો ભાઈ આવે છે અને જુએ છે કે મોટા
ભાઈએ પિતાજીનો જમણો પગ નીચે પછાડી અપમાન કર્યું
છે, આથી એણે પિતાજીનો ડાબો પગ એવો પછાડ્યો કે
પિતાજી ખાટલામાંથી ઊભા થઈ ગયા. મનમાં ને મનમાં
બાપા વિચાર કરવા લાગ્યા કે મેં કેવા મૂર્ખ કપુતોને જન્મ
આપ્યો છે? આના કરતાં ન હોત તો સારું થાત.
ગામવાળાઓને ખબર પડી ત્યારે બોલ્યા, ‘‘બેટા હો તો
ઐસા ન હો.’’