૨ : ૧૪૨ - સમર્પણ

કથાઓ આપણે અલગઅલગ પત્રિકાઓમાં, પેપરમાં
અને ધર્મગ્રંથોમાં વાંચીએ છીએ. કદાચ આ કથાઓ સાચી
હોય કે ન હોય, પણ જે આપણા જીવનનો ‘‘થાક ઉતારી
દે તે કથા.’’
એક મહાન ગુરુને બે શિષ્યો હતા. બન્ને કાયમ બીમાર
જેવા. શરીર બન્નેનું રોગગ્રસ્ત હતું. ગુરુએ એક વખત બન્ને
શિષ્યોને બોલાવીને કહ્યું કે, તમે બન્ને સાપની પૂંછને હાથ
લગાડીને આવો.
બન્ને શિષ્યો તુરન્ત ગયા ને સાપની પૂંછને હાથ લગાડીને
આવી ગયા. ગુરુએ ફરી કહ્યું કે, હવે સાપના મોઢાને હાથ
લગાડીને આવો. પહેલા શિષ્યએ ગુરુના વચન પર શ્રદ્ધાથી
સાપના મોઢાને હાથ લગાડ્યો. બીજાએ બબડાટ કરીને
સાપના મોઢાને હાથ લગાડ્યો. મનમાં ને મનમાં બોલ્યો,
ગુરુનો આપણને મારી નાખવાનો વિચાર લાગે છે. એક જ
ગુરુના બે ચેલા, બન્નેની વિચારધારા જુઓ.
જેવા ગુરુ પાસે પહોંચ્યા એવા જ ગુરુએ કહ્યું, હવે
સાપના દાંત ગણી આવો. બન્ને શિષ્યો જેવા ગુરુ પાસેથી
બહાર નીકળ્યા ત્યાં બીજો શિષ્ય બોલ્યો, ભાઇ! મારે
સાપના દાંત ગણવા આવવું નથી, તારે જવું હોય તો જા.
ગુરુ આપણું કાટલું કાઢી નાખવા માગે છે.
પહેલો શિષ્ય બહુ વિવેકી હતો અને હંમેશાં ગુરુના શબ્દો
પર વિશ્વાસ રાખતો. આથી તે બીજાને મૂકી એકલો
સાપના દાંત ગણવા ચાલી નીકળ્યો. જેવો સાપના મોઢામાં
હાથ નાખ્યો કે સાપે એને ડંખ મારી દીધો. પહેલા શિષ્યને

તુરન્ત ઝેર ચડવા લાગ્યું, દોડતો ગુરુ પાસે આવે છે અને
બધી વાત કહે છે. ગુરુએ કહ્યું, ગભરા નહીં, હમણાં જ
બધું બરાબર થઇ જશે. થોડી વારમાં તો શિષ્ય એકદમ
પહેલાં કરતાં પણ વધારે સ્વસ્થ થઈ ગયો. ગુરુએ કહ્યું, જો
બધું બરાબર થઈ ગયું ને?
હું જાણતો હતો કે તને જે રોગ છે તેનું મારણ ઝેર હતું.
આથી મેં તને દાંત ગણવા મોકલેલ. તું હવે રોગમુક્ત થઈ
ગયો છે. બીજા શિષ્યને પણ આવો જ રોગ હતો, પણ
તેને ગુરુ પર વિશ્વાસ ન હતો. ગુરુ પર સમર્પણની ભાવના
હોય તો પરિણામ હંમેશાં સારું જ આવે. ગુરુની આજ્ઞાને
તર્કથી નહીં તોળતાં શ્રદ્ધાથી સ્વીકારીએ તો જીવનમાં નવી
જ્યોત પ્રગટ્યા વગર રહે નહિ.