પાપ અને પુણ્યની વાત કરીએ ત્યારે આપણને
ઇતિહાસમાં એવાએવા દાખલા જોવા મળે છે, જે ક્ષણભરમાં
મહાપરિવર્તન થયા હોય. અંગુલીમાલ જેવો હત્યારો બુદ્ધના
સમાગમમાં આવ્યો એવો જ એ બદલાઇ ગયો. ‘‘જેસલ’’
બહારવટિયો ‘‘તોરલ સતી’’ને મળ્યો અને જીવનનું સોપાન
બદલાઇ ગયું. આવા હત્યારા પણ સંતપુરુષોના સમાગમમાં
આવવાથી પરિવર્તન પામે છે.
જ્યારે આજનો માનવી એવો રીઢો થઇ ગયો છે કે, ગમે
તેટલા સંતના રંગમાં રંગાય, પણ કોરો ને કોરો જ રહી
જાય. કોઇ જાતનો રંગ એને લાગે નહીં. પથ્થર પણ
નદીમાં ફરતોફરતો ઘસાઇને પોતાની તીક્ષ્ણતા ગુમાવી
ગોલાઇ પકડે છે. મતલબ પથ્થર પણ સુંવાળો થઇ જાય
છે, પણ અત્યારના આધુનિક યુગમાં જીવનાર, ભૌતિક
સુખમાં રાચનાર ગમે તેવા મહાપુરુષના સંગમાં આવે, પણ
એ કોરો ને કોરો જ રહે છે.
સંત-સાધુના શબ્દો મંદિરના દરવાજા સુધી જ રહે છે.
જેવા મંદિરના દરવાજા છોડ્યા, શબ્દો પણ સાધુના છૂટ્યા.
આ છે આપણા આજના નવા યુગની આધુનિકતાની અને
સાયન્સની દેન.
જૂના જમાનાની આ વાત છે. જેસલ જેવા
બહારવટિયાની જિંદગી પર નજર નાખશું તો થશે કે
આવો બહારવટિયો થોડા કલાકોમાં જિંદગીનો રાહ બદલી
શકે છે તો આપણને કેમ કોઇ અસર થતી નથી? એક દિવસ રાતના ત્રણ વાગ્યે જેસલ ઘરનો દરવાજો
ખટખટાવે છે. અંદરથી એની ભાભી આવીને દરવાજો
ખોલે છે, પણ જે શબ્દો કહે છે તે એને ભાલાની જેમ
ખૂંચી જાય છે.
આ છે એ શબ્દો :
જેસલભાઇ, દરરોજ મોડી રાતે આવી તમે મારી ઊંઘ
હરામ કરો છો આ સારું નથી.
જેસલ સાંભળી ગુસ્સામાં આવી ગયો. એ એવો
બહારવટિયો હતો કે જ્યાં ચોરી કરવા જાય ત્યાં પુરુષની
હત્યા કરીને પાછો ફરે. નવવિવાહિત પુરુષોની હત્યા કરી
નાખે. નાનાં બાળકોની હત્યા કરતા પણ કંપે નહીં. આવો
હત્યારો ભાભીના આવા શબ્દો કેમ સાંભળી શકે? એ
શબ્દ બોલનાર જો એની ભાભી ન હોત તો ક્યારની હત્યા
કરી નાખી હોત. ભાભીના શબ્દો ખીલાની જેમ ભોંકાયા
હતા. ભાભી વધારામાં બોલી કે, તમારામાં ત્રેવડ હોય તો
તોરલરાણીની ઘોડી, તલવાર અને કામળી લઇ આવો તો
હું તમને બહાદુર સમજુ.
જેસલને ભાભીનું મેણું સાંભળી શરીરમાં ક્રોધ વ્ય્ાપી
ગયો. એ ક્રોધમાં જ ઘરથી પાછો ફરી સીધો તોરલરાણી
રહેતી હતી તે ગામ પહોંચ્યો. ગામમાં પહોંચી તોરલના
ઘરનું ઠેકાણું પૂછી તોરલના ઘર સુધી પહોંચી ગયો. રાતના
અંધારામાં તોરલના ઘરમાં છૂપાઇ ગયો. બીજા દિવસે
સાંજ પડી એટલે તોરલના ઘરમાં ભજન-કીર્તન શરૂ થયાં.
તોરલને ત્યાં પહેલા ભજન પછી ભોજન. જેસલ તો તોરલ
જ્યાં એની ઘોડી બાંધતી ત્યાં ગમાણમાં છૂપાઇ ગયો હતો.
ઘોડી અજાણ્યા માણસને જોઇને હણહણવા માંડી અને
ખીલો ઉખેડી ગમાણમાંથી બહાર આવી ઊભી રહી ગઇ.
જેસલ ગમાણમાં ઘાસ નીચે છૂપાઇ ગયો.થોડી વાર પછી જ્યારે ભજન પૂરાં થયાં એટલે તોરલ
પ્રસાદ આપવા ઊભી થઇ. તોરલના પ્રસાદની એક ખૂબી
હતી કે જેટલા માણસો હોય એટલો જ પ્રસાદ હોય, ન
વધે ન ઘટે, પણ આજે એક પ્રસાદ વધ્યો એટલે તોરલને
થયું કે કોઇ એક માણસ પ્રસાદ વગરનો રહી ગયેલ છે
એટલે એ ગમાણમાં જોવા ગઇ. ગમાણ પાસે જતાં તેણે
જોયું કે ઘોડી બહાર ઊભી છે અને ખીલા સાથે ઊભી છે.
એને થયું કે ખીલો ઢીલો થઇ ગયો હશે એટલે નીકળી
ગયો હશે. તોરલ ઘોડીને પકડીને ગમાણ પાસે લાવી.
ખીલાને ગમાણમાં ઠોકયો. એને ખબર નહીં કે ત્યાં જેસલ
સૂતો છે. તોરલનો ખીલો જેસલની હથેળીની આરપાર
નીકળી ગયો, પણ જેસલે કંઇ બોલ્યા વગર ચૂપચાપ દરદ
સહન કરી લીધું.
ઘોડીને અજાણ્યા માણસની ગંધ આવવાથી સ્થિર ઊભી
રહેતી નહોતી. તોરલ ઘોડીને વહાલ કરે છે. એટલામાં
તોરલના પગ નીચે લોહીનો રેલો જાય છે. એ ખીલા પાસે
ગઇ અને ખીલો ખેંચી કાઢે છે. જેવો ખીલો ખેંચી કાઢ્યો
કે જેસલે હથેળી અંદર લઇ લીધી. ફરી તોરલે ખીલો
જમીનમાં ખોડ્યો ત્યાં તેને જેસલ દેખાયો. તરત જ તોરલ
બોલી, લે ભાઇ! તારા ભાગનો પ્રસાદ બાકી છે. જેસલ
બોલ્યો, પ્રસાદ જમણા હાથે લેવાય, મારો જમણો હાથ
લોહીથી ખરડાયેલ છે. હું પ્રસાદ લઇ શકું તેમ નથી. તોરલ
મનમાં વિચારે છે કે જો મારું સતીત્વ સાચું હોય તો, હે
ભગવાન! તું આ માણસની હથેળી પહેલાં જેવી કરી દે
અને આશ્ચર્ય વચ્ચે જેસલની હથેળી પહેલાં જેવી થઇ ગઇ.
જેસલે પ્રસાદ લીધો અને ખાધો.
જુઓ જીવનમાં સંતપુરુષોના સ્પર્શ કેટલા સુખદ્ હોય
છે. જેસલ આ બધું જોઇને સ્તબ્ધ રહી ગયો. તોરલે પછી પૂછ્યું, વીરા! તું કોણ છે અને ક્યાંથી આવ્યો છો? અને
તારે શું કામ છે?
માતાજી, હું એક હત્યારો છું, ચોર છું, બહારવટિયો છું.
મારી ભાભીએ મને મેણું માર્યું કે તારામાં શક્તિ હોય તો
તું સતી તોરલની ઘોડી, કામળી અને તલવાર આ ત્રણ
વસ્તુ લઇ આવ. બસ, આ મેણું મારાથી સહન ન થયું
એટલે હું આવા રાતના અંધારામાં ત્રણ વસ્તુ લેવા આવેલ
છું.
તુરત જ તોરલ બોલીઃ ઓહો, બસ આટલા માટે તારે
ચોરી કરવી પડે વીરા. લે ત્રણે વસ્તુ તને આજે સોંપું છું.
જેસલે જેવી ત્રણે વસ્તુ લીધી કે હાથમાં બળતરા થવા
લાગી. બહેન! આ ચીજના સ્પર્શથી મારા આખા શરીરમાં
બળતરા થાય છે. તોરલ બોલી, ભાઇ! ગભરા નહિ. હું
તારી સાથે આવી આ ત્રણેય ચીજ તારાં ભાભીને આપીશ.
તું એના મેણામાંથી મુક્ત થશે.
તોરલના પતિએ પોતાની પત્નીને લૂંટારા સાથે જવા
દીધી. તેને તેની પત્ની પર કેટલો ઊંડો વિશ્વાસ. તેના
સતીત્વ પર કેટલું માન. તોરલ જેસલ સાથે નીકળી પડી.
રસ્તામાં એક મોટી નદી આવી અને નદીને પાર જવા એક
હોડીમાં બેઠાં. હોડીમાં બેઠાં ત્યાં જ નદીમાં તોફાન આવ્યું.
નાવ ડૂબવા જેવી થવા લાગી. તોરલ જેસલને કહે છે કે,
તેં કરેલાં પાપને હિસાબે આ નદી ગાંડીતુર થઇ છે, તોફાને
ચડી છે. જો તું તારાં પાપનું પ્રાયશ્ચિત્ત કરે તો આ તોફાન
થંભાવી દઉં. આટલું કહી તોરલ બોલી...
‘‘પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે,
તારી બેડલીને બૂડવા નહીં દઉં... એમ તોરલ કહે છે.’’
‘‘જેટલા માથાના વાળ, તોરલરાણી જેટલા માથાના વાળ
રે એટલાં પાપો તો મેં ર્ક્યાં તોરલદે...એમ જેસલ કહે છે જી.’’ અને જેસલ પોતાનાં બધાં જ પાપનો પસ્તાવો કરે
છે કે મેં મીંઢળ બાંધેલા વરરાજાની જાન લૂંટી, સ્ત્રીઓનાં
શીલ લૂંટ્યાં, બાળકોને નિરાધાર ર્ક્યાં, વિધવાઓના
નિઃસાસા લીધા, સ્વાદ ખાતર મરઘા-મરઘી, હરણ, ચકલાં
જેવાં પશુ-પક્ષીઓની હિંસા કરી છે.
જેસલ રડતાંરડતાં પોતાનાં પાપની ગાથા તોરલને
સંભળાવતો જાય છે અને પસ્તાવાનાં આંસુ વહેવડાવતો
જાય છે. તોરલદાને કહે છે કે, તોરલ કહે છે, મને આમાંથી
ઉગારો. વીરા! જરૂર તું ઊગરી જશે. તારી નાવડી જરૂર
કિનારે પહોંચાડી દઇશ, પણ ભવિષ્યમાં આવાં પાપ કરતો
નહીં અને જેસલ તોરલને વચન આપે છે કે આજથી હવે
હું આવાં કામો ક્યારેય નહીં કરું.
તરત જ નદીનું તોફાન શાંત થાય છે અને બન્ને નદીના
સામે કાંઠે ઊતરે છે. ઘરે પહોંચી જેસલ ભાભીને આખી
વાત કહે છે. જેસલની ભાભી તોરલ સતીના પગમાં પડી
અને સતીત્વ પર ફિદાફિદા થઇ ગઇ.
છેલ્લે જેસલ તોરલને કહે છે, બહેન! આવ્યાં છો તો
ભાઇને ત્યાં જમીને જાવ. ત્યારે તોરલ કહે છે, નહીં વીરા!
આખી વાત જ્યાં સુધી હું મારા પતિને નહીં કહું ત્યાં સુધી
અન્ન-જળનો ત્યાગ છે.
તોરલ જ્યારે જાય છે ત્યારે જેસલ કહે છે, બહેન! તને
ખાલી હાથે નહીં મોકલું, લે આ તારી તલવાર, કામળી
અને ઘોડી, કહેજે તારા પતિને કે તારા ભાઇએ ભેટ આપી
છે અને જ્યારે સાચી કમાણી કરીને આવીશ ત્યારે બહેન
માટે બીજી ભેટ લાવીશ. તોરલ ઘરે જવા નીકળી પડે છે.
‘‘સંસારમાં સત્સંગ જેવો રંગ નહીં.’’