કન્ફૂસિયસનો એક શિષ્ય હતો જેનું નામ હતું મેનેસિયસ.
આ શિષ્ય મોટો તત્ત્વચિંતક હતો. હંમેશાં બધાને કહેતો કે
તમારે તમારા લક્ષ સુધી પહોંચવું હોય તો દોડશો નહીં.
દોડશો તો લક્ષ દૂર જતું જાશે, પણ જો આસ્તેઆસ્તે
ચાલશો તો એક દિવસ જરૂર લક્ષ સુધી પહોંચી જશો.
એક દિવસ એક યુવાન મેનેસિયસની પાસે આવે છે
અને વિનંતી કરે છે કે, ગુરુદેવ મને અફીણ ખાવાની ટેવ
છે. ઘણી કોશિશ કરી, પણ ટેવ છૂટતી નથી. તમે કંઇક
ઉપાય બતાવો.
મેનેસિયસે કહ્યું હમણાં તો હું એક મહિના માટે બહાર
જાઉં છું. પાછો આવું ત્યાં સુધી તને એક મંત્ર આપતો
જાઉં છું. તારે સવારમાં પાંચ વાર મંત્ર બોલવાનો. આની
સાથે એક સાકરનો ગાંગડો આપું છું. આ સાકરના
ગાંગડાને તારે મંત્ર બોલ્યા પછી પાંચ વાર પથ્થર સાથે
ઘસવાનો અને પછી એ સાકરના ગાંગડા જેટલા વજનનું
અફીણ લેવાનું. આમ તું એક મહિનો કરજે, ત્યાં હું પાછો
આવી જઇશ, પણ મંત્ર એટલો શક્તિશાળી છે, કે હું
આવીશ ત્યાં સુધીમાં અફીણ ખાવાની ટેવથી તું મુક્ત થઇ
ગયો હોઇશ.
બીજા દિવસથી યુવાને પાંચ વાર મંત્ર ગણી, પાંચ વાર
સાકરનો ટુકડો પથ્થર પર ઘસી એટલા વજનનું અફીણ
લીધું. આમ દિવસેદિવસે સાકરનો ટુકડો નાનોનાનો થતો
ગયો અને યુવાનને અફીણ ઓછું થતું ગયું. મહિનામાં તો
સાવ ઓછું થઇ ગયું.
મેનેસિયસ મહિના પછી પાછા આવ્યા. યુનાનને પૂછ્યું,
કેમ રહ્યું! ગુરુદેવ આસ્તેઆસ્તે અફીણ ઓછું થતું ગયું ને હું
મારી ટેવમાંથી મુક્ત થઇ ગયો. બસ આસ્તેઆસ્તે કરેલ
કામ લક્ષ સુધી પહોંચાડી દે છે.