છોડી દે તું, છોડી દે તું ચિંતા સારા જગની
સમય પાક્યો, વાત સાંભળ તારા અંતરની...
જનમજનમથી કરતો આવ્યો કેટલું ખોટું
છોડી દે એ બધું કર હવે ખાતું ચોખ્ખું...
રાત વીતી સપનામાં ને દિવસ વીત્યો કામે
જન્મારો આમ ને આમ જતો રહેશે હવે શું વિચારે...
ન જોયો તેં તારો જનમ કેરો સાચો સાથી
ભૂલી ગયો તું તારા આતમ કેરો સાથી...
છોડી દે મોહ અંગ કેરો, થા હવે એનાથી અળગો
ક્યાં જઇ ફસાયો, સંસાર આખો સળગ્યો...
ભવભ્રમણથી થાક્યો હો તો, રાહ છોડ સંસાર કેરી
સ્વીકારી લે આજ તું શરણાગતી મહાવીર કેરી...
તૂટી જશે કંઇ જનમજનમની બેડી તારી
મુક્ત બનવા માટે સમજ વાત જ્ઞાની કેરી...
ચાલતાચાલતા મળશે માર્ગ મુક્તિ કેરો
આખિર થશે છુટકારો જનમજનમ કેરો...
સ્થિર થશે સિદ્ધશિલાએ, અનંતકાળ કાજે
આ છે સાચો મહાવીર માર્ગ, મળે બહુ કાળે...