૨ : ૧૩૧ - સિકંદર પણ જવાબ ન આપી શક્યો

એક વખત સિકંદર પોતાની વિજયયાત્રા કરી આગળ
વધતો હતો ત્યારે તેને રસ્તામાં એક ફકીર મળ્યો. ફકીરે
સિકંદરને પૂછ્યું કે, રાજન! તું પૂરા વિશ્વ પર વિજય
મેળવી લીધા પછી શું કરીશ? સિકંદર સાંભળી વિચારમાં
પડી ગયો કે આખું વિશ્વ જિતાઇ જશે પછી કોના પર
વિજય મેળવીશ?
સવાલનો જવાબ બહુ સરળ ન હતો. ફકીર સમજતો
હતો કે આનો જવાબ હોય જ નહિ, કારણકે માણસની
ઇચ્છા અમાપ છે. તેનો કોઇ છેડો નથી. ક્ષિતિજમાં
આપણને આકાશ અને પૃથ્વી ભેગાં થયેલ દેખાય છે અને
કોઇ એ ક્ષિતિજ સુધી પહોંચવા માગતો હોય તે વિચારે કે
સો કદમ ચાલીશ ત્યાં ક્ષિતિજ આવી જશે, પણ જ્યાં સો
કદમ ચાલે છે ત્યાં ક્ષિતિજને પકડનાર લાખ કોશિશ કરે,
પણ ક્ષિતિજને પકડી શકતો નથી તેમ માણસ પણ
ઇચ્છાઓ ભલે કરે તોપણ એ ઇચ્છાઓને પૂરી કરી શકતો
નથી. આ ઇચ્છા પૂરી કરવામાં ને કરવામાં જીવન આખું
વેડફાઇ જાય છે, પણ ઇચ્છા પૂરી થતી નથી અને એક
દિવસ મૃત્યુના મુખ સુધી પહોંચી જાય છે. સિંકદર પણ
છેલ્લેછેલ્લે આમ જ મૃત્યુને શરણ થયો. મૃત્યુ વખતે તેની
ઇચ્છા ‘‘મા’’ને મળવાની હતી પણ એની ‘‘મા’’ને એ
મળી ન શક્યો.
મેં સાંભળ્યું છે કે એક રાજા સો વર્ષનો થયો, ઘણાં
રાજ્યો જીત્યો, મોત આવી સામે ઊભું રહ્યું, એટલે મોતે
પૂછ્યું કે, રાજન! તારી આખરી કંઇ ઇચ્છા હોય તે કહે.
તારી છેલ્લી ઇચ્છા પૂરી કરવા જેટલો સમય આપીશ.
રાજાએ કહ્યું કે, મને માત્ર દશ વર્ષનું વધુ આયુષ્ય
આપો. રાજન દશ વર્ષ વધારી આપું, પણ આ દશ વર્ષ

 તારા નવ પુત્રો છે એમાંથી એક પુત્રે આયુષ્યનાં દશ વર્ષ
આપવા પડશે. રાજાએ નવે પુત્રને બોલાવ્યા, પણ કોઇ
પુત્રે હા ન કહી, પણ નાનો પુત્ર પંદર વર્ષનો હતો. તેણે
વિચાર ર્ક્યો કે, મારા પિતાજી આટલી ઉંમરના થયા
તોપણ હજુ એની ઇચ્છા પૂરી ન થઇ તો મારા આયુષ્યનાં
દશ વર્ષ આપી દઉં. મને તો સંતોષ થશે કે મેં મારા
આયુષ્યનાં દશ વર્ષ મારા પિતાશ્રીને એની ઇચ્છા પૂરા
કરવા આપ્યાં.
નાના દીકરાએ દશ વર્ષ પિતાશ્રીને આપી દીધાં. રાજા
બચી ગયો. દશ વર્ષ પછી યમરાજ આવીને પૂછે છે કે, હવે
તો રાજન ચાલવું છે ને? ત્યારે રાજા પાછા કહે છે કે, હજાુ
બીજાં દશ વર્ષ આપ, મારી ઇચ્છા હજ્‌ુ પૂરી થઇ નથી.
કહેવાય છે કે આમ ને આમ વર્ષો વીતતાં ગયાં,
યમરાજ અને રાજનની વાતો ચાલતી રહી. રાજાની ઇચ્છા
પૂરી થઇ નહીં. છેલ્લે યમરાજ રાજાને લઇ જતા હોય છે,
ત્યારે રાજા યમરાજને પૂછે છે કે, તમે હંમેશાં મારાં દશ-દશ
વર્ષ વધારી આપ્યાં. તમે સમજતા હતા છતાં કેમ વધારી
આપ્યા. યમરાજે કહ્યું કે, હું જાણતો હતો કે માનવીની
ઇચ્છાનો કોઇ સીમાડો નથી હોતો. એ ક્ષિતિજને પકડવા
કોશિશ કરે છે, પણ ક્ષિતિજ એક ભ્રાંતિ છે. ત્યાં જમીન
અને આસમાન ભેગાં થાય છે એવું ભાસે છે, પણ ખરેખર
એવું હોતું નથી. આવી રીતે મનુષ્યનું મન ઇચ્છાઓની
પાછળ દોડ્યા જ કરે છે, પણ ઇચ્છાઓ કદી પૂરી થતી
નથી. એક પૂરી થાય એ પહેલાં બીજી જન્મ લઇ લે છે. હું
આ બરાબર જાણું છું અને એટલે જ તારું આયુષ્ય
વધારતો ગયો, કારણ એટલું કે પૃથ્વી પરના બીજા
મનુષ્યોને ખબર પડે કે આયુષ્ય પૂરું થાય એ પહેલાં
ઇચ્છાને આટોપી લઇ પ્રભુભક્તિમાં લીન થાય. નહીં તો
સિકંદરની જેમ ‘‘મા’’ને મળવાની ઇચ્છા પણ અધૂરી રહી
જશે.