૨ : ૧૨૮ - આધ્યાત્મિક પોપટ

એક શ્રીમંત માણસ બજારમાં ફરતો હતો. ત્યાં તેણે
એક પોપટવાળો જોયો જે પોતાનો પોપટ વેંચવા માટે
જાહેરાત કરતો હતો. પોપટ જેને જોઇતો હોય એ લઇ જઇ
શકે છે. કિંમત માત્ર રૂ।. ૧૦૦/-. પીંજરું મફતમાં. આ
પોપટને જે તમે શિખવાડશો એ બધું જ શીખી જાય છે.
શ્રીમંતને થયું કે રૂ।. ૧૦૦/-માં આ પોપટ લઇ લઉં અને
એને થોડા દિવસમાં માણસ જેવું બોલતા શીખડાવી દઇશ.
શ્રીમંત પોપટને ઘરે લઇ આવે છે અને દરરોજ તેને
થોડુંથોડું શીખડાવે છે. થોડા દિવસમાં તો પોપટ
આધ્યાત્મિકતાની મોટીમોટી વાતો કરવા લાગ્યો. શ્રીમંત
બહુ ખુશ થઇ ગયો. વાહ, મારો પોપટ તો બહુ હોશિયાર
થઇ ગયો.
એક દિવસ શ્રીમંત પોતાના ગુરુદેવને મંદિરમાં મળવા
માટે જતો હતો ત્યારે પોપટે પૂછ્યું કે, તમે ક્યાં જાઓ
છો? શ્રીમંત બોલ્યો, હું મારા ગુરુદેવનાં દર્શન માટે મંદિરે
જાઉં છું. પોપટ બોલ્યો, મારો એક સવાલ છે, તમે ગુરુદેવ
પાસેથી જવાબ લઇ આવશો? શ્રીમંત બોલ્યો, બોલ શું
સવાલ છે? પોપટ બોલ્યો સવાલ છે કે જીવ બંધનમાંથી
મુક્ત કઇ રીતે થઇ શકે? શ્રીમંત કહે ભલે, હું પૂછી
આવીશ.
શ્રીમંત મનમાં હરખાતો હતો કે, મારો પોપટ કેટલો
હોશિયાર થઇ ગયો છે કે આવા આધ્યાત્મિક સવાલ પણ
પૂછે છે.
શ્રીમંત ગુરુદેવનાં દર્શન કરી ઊભો રહ્યો એટલે ગુરુદેવે
પૂછ્યું કે, ભાઇ! તમારે કંઇ પૂછવું છે? ના ગુરુદેવ, મારે કંઇ

પૂછવું નથી, પણ મારા પોપટનો એક સવાલ છે એનો
મારે એને જવાબ આપવાનો છે તો તમે એનો જવાબ
આપવા મહેરબાની કરો.
ગુરુદેવ કહ્યું, શું સવાલ છે બોલો!
સવાલ એ છે કે, ‘‘જીવ બંધનમાંથી મુક્ત કઇ રીતે
થાય.’’ સવાલ સાંભળતાં જ ગુરુદેવ જગ્યા પર બેભાન
થઇ ગયા. પેલો શ્રીમંત આ જોઇને ભાગ્યો. એને ડર
લાગ્યો કે જો માણસો ભેગા થઇ જશે તો એ મારી ધૂલાઇ
કરી નાખશે. દોડ તો દોડતો ઘરે આવી ગયો.
જેવો શ્રીમંત ઘરે આવ્યો કે પોપટે પૂછ્યું? મારા
સવાલનો જવાબ ગુરુદેવે શું આપ્યો? શ્રીમંત બોલ્યો,
પોપટ તારો સવાલ એટલો જબરજસ્ત હતો કે સવાલ
સાંભળતાં જ ગુરુદેવ બેભાન થઇ ગયા. હું તો
ભાગતોભાગતો આવી ગયો. આટલું સાંભળીને પોપટ
બેભાન થઇ ગયો. પીંજરામાં જ ઢળી પડ્યો.
શ્રીમંતે પોપટને બહાર કાઢી માથા પર પાણી છાટ્યું.
એટલી વારમાં તો પોપટ ફફડાટ કરતો ઊભો થઇને ઊડ્યો
અને શ્રીમંત માલિકના બંગલા ઉપર જઇ બેઠો. ઉપર
બેઠા-બેઠા શ્રીમંતને કહે છે કે, તમારા ગુરુદેવે મારા સવાલનો
જવાબ આપી દીધો હતો, પણ તમે ન સમજી શક્યા,

પણ હું સમજી ગયો. તેઓ જે બેભાન થઇ ગયા હતા એ
જ એનો જવાબ હતો. હું બંધનમાંથી મુક્ત થવા જ
બેભાન થયેલ અને હું બંધનમાંથી મુક્ત થઇ ગયો. તમારા
ગુરુદેવનો ખૂબખૂબ આભાર, આટલું બોલી પોપટ ઊડી
ગયો.