૨ : ૧૧૮ - શક્કી માણસને શું સલાહ આપો

મારો મિત્ર મખનલાલ એ હંમેશાં ખુશમિજાજમાં રહે.
લગ્ન કર્યાં પછી બહુ ઉદાસ રહેવા લાગ્યો. મેં પૂછ્યું,
ભઈલા! તું ઉદાસ કેમ છો? મખનલાલ બોલ્યો, શું કહું
ભાઈ, મારી પત્ની માયાવતી એટલી બધી શક્કી છે કે
દરરોજ નવાનવા શક કરે છે.
એક દિવસ મારા ખિસ્સામાંથી લેડીઝ રૂમાલ એને
મળ્યો. બસ, પૂછો નહીં, ગુસ્સામાં ને ગુસ્સામાં કહેવા
લાગી, તમે કોઈ છોકરી સાથે ફરો છો.
મેં કહ્યું, તું ખોટો શક કરે છે. લેડીઝ રૂમાલ તો હું
નાસ્તો કરવા હોટલમાં ગયો હતો ત્યાં ટેબલ પર પડ્યો
હતો. મને વિચાર આવ્યો કે લાવ ઘરે લઈ જાઉં, તને કામ
આવશે, પણ આ તો ઊલટું પડ્યું.
બીજી વખત મારા પેન્ટના ખિસ્સામાંથી એક અત્તરની
નાની બૉટલ મળી. બસ, અત્તરની બૉટલ જોઈ એકદમ
ભડકી ઊઠી. તમે અત્તર નાખી બહાર છોકરીઓ ભેગા
પિક્ચર જોવા જતા લાગો છો. ઘરમાં કોઈ દી એક
અત્તરની બૉટલ લાવ્યા નથી. લગ્નને પંદર વર્ષ થઈ ગયાં,
પણ સારો પાઉડર લાવ્યા નથી ને આજ અત્તર? મેં
ખુલાસો કરતાં કહ્યું મારી ‘‘મા’’ સાંભળ, મારી ઑફિસમાં
એક સેલ્સમૅન આવ્યો હતો. એણે મને સેમ્પલ તરીકે
મફતમાં આ બૉટલ આપી હતી. મેં રૂપિયા ખરચીને નથી
લીધી, સમજી?
ત્રીજી વખત મારા ખભા પર એક લાંબો વાળ દેખાયો.
જોઈને એવી ત્રાટકી કે હું તો જોતો રહી ગયો. મને કહ્યું,
જરૂર તમે કોઈ છોકરીને લઈને બગીચામાં ફરવા જતા
હશો, નહીં તો આટલો લાંબો વાળ ક્યાંથી આવે?
મેં સમજાવી કે મારી ઑફિસમાં પંદર છોકરી કામ કરે
છે. હશે કોઈ છોકરીનો. આમાં હું શું કરી શકું?
છેવટે તો હદ કરી નાખી. ગઈકાલે એકદમ રોવા માંડી.
હજી હું કાંઈ બોલું એ પહેલાં તો બોલી, તમને હવે
મારામાં રસ નથી રહ્યો. મેં કહ્યું, એવું નથી ડાર્લિંગ.
ડાર્લિંગડાર્લિંગ ન કરો. તમને ટાલવાળી છોકરીમાં રસ
છે, મારામાં રસ નથી.
તને કેમ ખબર પડી કે મને ટાલવાળી છોકરીમાં રસ
છે? ગઈકાલે મેં જોયું તો તમારા કપડામાં ક્યાંય એક પણ
વાળ ન હતો. આ સાંભળી મને થયું કે આને હવે શું
સલાહ આપું! મેં મૌન રાખ્યું. મનમાં ને મનમાં વિચાર
કરવા લાગ્યો કે, ‘‘શકની ગોળી મળતી હોય તો આને
આખી બૉટલ ખવડાવી દઉં’’.
‘‘સોસો કોસ રહેજો દૂર શકથી,
નહીં તો થઈ જશો દૂર એકબીજાના મનથી.’’
આજ આટલું બસ.