સવાર પડતાં પહેલાં આપણે છાપું ખોલી, ચાની ચૂસકી
ભરતાંભરતાં પ્રથમ પાનાના સમાચાર વાંચીએ કે, કોઈ
એક સાધુએ, કોઈ એક બાબાએ, કોઈ એક ‘બાપુ’એ કે
કોઈ એક તાંત્રિકે ધર્મના નામે ધતિંગ કરી શ્રદ્ધાળુઓનો
ગેરલાભ લીધો. આવા ગેરલાભ, રૂપિયાથી માંડી વ્યભિચાર
સુધીની અવનવી વાતો હોય. આમાં તો ક્યારેક સમલિંગ
વ્યભિચારનો પરાક્રમ પણ હોય.
આવા સમાચાર નવી પેઢીનો યુવા વર્ગ વાંચે છે ત્યારે
મા-બાપને કહે છે કે, જુઓ! આ તમારા સાધુ-બાબાનાં
કામો, તમે જેને સાધુઓ માનો છો એમાંના આ બધા
ધુતારાઓ છે. એ બધા પણ સંસારીની જેમ પૈસાની
પાછળ પાગલ છે, એને પણ સંસારીની જેમ સાહ્યબી અને
મોજમઝા કરવામાં રસ છે. સાધુતાને લાંછનરૂપ કામ કરે
છે. સાધુનાં બધાં જ નીતિ-નિયમ નેવે મૂકી દીધાં છે.
બસ, આ જ બધાં કારણોથી આજનો યુવાન ધર્મથી
વિમુખ થતો જાય છે. દરેક સાધુ આવા હોતા નથી. ઘણા
સાધુ ખરેખર સંયમજીવન પાળી પોતાના આત્માનું કલ્યાણ
કરી લે છે. બાકી આજકાલ મોટા ભાગનો સાધુ વર્ગ
શિથિલતામાં ડૂબેલ છે. કોઈની નબળાઇ દેખાઈ જાય છે,
કોઇની દેખાતી નથી અને કોઈની ઢંકાયેલ રહી જાય છે.
સાધુની શિથિલતા જોઈએ ત્યારે આપણને થાય કે
એના કરતા રસ્તા પર ખેલ કરતો મદારી સારો. પાંચ-દશ
રૂપિયા નાખો એટલે એ બાપડો ખુશખુશાલ થઈ જાય.
સાપનો ખેલ બતાવી સપેરો ૧૦-૨૦ રૂપિયા માગે અને
જોનાર ખુલ્લા દિલે આપે પણ અને મદારી જે મળે એમાં
ખુશ થઈ જાય. આપનાર સર્પને દૂધ પાવાનો ધર્મ સમજી
દાન કર્યાનો લાભ લે.
દોરડા પર નટ પોતાની નાની દીકરીને જીવન સાથેનો
ખેલ કરાવતો હોય ત્યારે આપણને થાય કે આ નાની
બાળા જાણે જીવનની કેવીકેવી પરિસ્થિતિમાં સમતોલપણું
જાળવી રાખે છે અને આપણા કહેવાતા ધર્મધુરંધર આટલું
પણ જાણતા નથી. ખરેખર અફસોસની વાત છે!
આજના યુગમાં થોડું છટાદાર બોલતા આવડે, થોડું
ધર્મનું જ્ઞાન હોય, થોડી પર્સનાલિટી હોય અને થોડી
પ્રજાની નાડ પારખતા આવડતી હોય એટલે ભયોભયો.
તમારામાં આ બધા ગુણ હોય એટલે સમાજમાં તમારો
ડંકો વાગી જાય. ચારેબાજુ તમારી ખ્યાતિ થવા લાગે.
આજુબાજુ ચાહકવર્ગ ભેગો થવા માંડે. દરેક મૅગેઝિન અને
છાપામાં તમારાં નામ અને ફોટાઓ આવવા લાગે. ચોરે ને
ચૌટે આજકાલ આવા બાબા-સાધુ-બાપુ અને તાંત્રિકોની
જમાત જોવા મળે છે. સૌ પોતાની શક્તિ પ્રમાણે રોટલા
શેકે. આજની દુઃખી પ્રજા સુખના ખોટા અભરખામાં
જીવવા માટે ઘણુંબધું લૂંટાવી દે છે. ઘણા સાધુ-સંન્યાસી
સદાચાર અને સત્ય માર્ગ પણ બતાવતા હોય છે, પણ
આવા સારા સાધુના કોઈ ભાવ પણ નથી પૂછતા.
નવા જમાનાના લોકો ભલે સાધુમાં માને કે ન માને,
પણ દરેકને થોડા સમયમાં કરોડપતિ થવાની ઘેલછા હોય
છે. ટૂંક સમયમાં બંગલા-ગાડી અને લાડી જોઈએ છે અને
આ બધું અપાવવા માટે કોઈ ને કોઈ ધુતારા બાવા-સાધુ
મળી રહે છે.
આવા કહેવાતા સાધુ-બાબા આવા લાલચુ માણસોને
બરાબર ઓળખી કાઢે છે અને આવી સહાયથી પોતાનું
કામ કાઢી લે છે. બસ, આથી ધર્મ અને ધર્મસ્થાનને જે
નુકસાન થાય છે તે પૂરવું મુશ્કેલ છે.
દરેકને આ યુગમાં વગર મહેનતે સંપત્તિ જોઈએ છે,
સત્તા જોઈએ છે, પદવી જોઈએ છે, કીર્તિ જોઈએ છે અને
આ બધાની દોટમાં ન જાણે આજનો સંસારી અને સાધુ
ન કરવાના કામ કરી બેસે છે. હવે તો દરેક ધર્મના
કાર્યકરોએ જાગૃત બની ખોટી શ્રદ્ધા અને ખોટી ગુરુભક્તિને
નામે જે શોષણ થાય છે તેનો સામનો કરવા સજ્જ થવું
પડશે, નહીં તો ભવિષ્યની પેઢી આપણને માફ નહીં કરે.
ધર્મનો ખોટો અર્થ સમજાવી સામાન્ય માણસ જે
શાસ્ત્રજ્ઞાનથી અજાણ હોય છે એનો આવા ગુરુઓ પૂરો
લાભ લઈ ગુરુભક્તિના નામે પોતાનું કામ કરાવી લે છે.
એક વખત આવા ધુતારા સાધુને ફાવટ આવી ગયા પછી
વાર-તહેવારે નવનવા તુક્કા લગાડી શ્રદ્ધાળુ પાસેથી રૂપિયા
ખંખેરી લે છે.
અપરિગ્રહની મોટીમોટી વાતો કરનાર સાધુ પોતે
અપરિગ્રહથી દૂર રહી શકતા નથી. એ એટલો પરિગ્રહી
બની જાય છે કે પાછું વાળીને જોવાનું જ ભૂલી જાય છે.
આ રીતે આજે ધર્મના નામે ચાલતી અધાર્મિકતા કહો,
અરાજકતા કહો, અંધશ્રદ્ધા કહો, જે કહેવું હોય તે કહો,
પણ સમયસર જો ઈલાજ નહીં કરીએ તો કૅન્સરના રોગની
જેમ આખા સમાજને ભરખી જશે. સમાજના દરેક લોકોએ
જાગવાનો સમય પાકી ગયો છે. નહિ જાગીએ તો આપણી
બહુ-બેટીઓને પણ આવા હીન કક્ષાના સાધુના સકંજામાં
આવતા વાર નહીં લાગે. મને લાગે છે કે ત્યારે બહુ મોડું
થઈ ગયું હશે.
નોંધઃ આ લેખ કોઈ વ્યક્તિ, સંપ્રદાય કે કોઈ ધર્મને
અનુલક્ષીને લખેલ નથી તેની વાચકોએ નોંધ લેવી.