૨ : ૧૧૪ - પિતાની શિખામણ

એક દિવસ એક ઉંમરલાયક પિતાને વિચાર આવ્યો કે,
ઉંમર થઈ ગઈ છે અને ક્યારે યમરાજનું તેડું આવે એ હવે
ખબર નથી. ચાલ જતાજતા દીકરાઓને થોડી શિખામણ
આપતો જાઉં.
દીકરાઓને બોલાવી કહ્યું, જુઓ! મારી ઉંમર થઈ છે. હું
તમારા વચ્ચેથી ક્યારે વિદાય થાઉં એનું નક્કી નથી. આથી
જતાજતા તમને થોડી શિખામણ આપતો જાઉં. દીકરા
બોલ્યા, કહો ને પિતાજી, તમારી જે ઈચ્છા હોય એ અમે
પૂરી કરવા તૈયાર છીએ.
પિતા બોલ્યા, બેટા! એક ખાલી કાચની બોટલ (બરણી)
લઈ આવો. દીકરાઓ એક ખાલી બરણી લઈ આવ્યા. હવે
તમારા દીકરાઓ જે બૉલથી રમે છે, એ ત્રણ ચાર બૉલ
લઈ આવો. હવે આ બૉલને આ બરણીમાં નાખો.
દીકરાઓએ બે બૉલ નાખ્યા ત્યાં તો બરણી ભરાઈ ગઈ.
બાપાએ પૂછ્યું, બેટા! બરણી ભરાઈ ગઈ? દીકરા કહે હા
બાપા, બરણી ભરાઈ ગઈ. બાપા બોલ્યા, ના હજુ બરણી
ખાલી છે. હવે તારા દીકરાઓ જે કાચની નાની ગોટીઓથી
રમે છે ને એ લઈ આવી આમાં નાખો. ગોટીઓ લાવી
દીકરાઓએ બરણી બરાબર ભરી. પાછું બાપાએ પૂછ્યું,
બરણી ભરાઈ ગઈ? હા બાપા! બાપા બોલ્યા, ના! હજુ
આમાં ઘરની બહાર ધૂળ છે એ લઈ આવો અને નાખો.
દીકરાઓએ ધૂળ નાખી અને બરણી પૂરી ભરાઈ ગઈ.
બાપાએ ફરી પૂછ્યું, હવે બરણી પૂરી ભરાઇ ગઈ કે?
દીકરાઓ કહે હા બાપા. બાપા બોલ્યા, ના! હજુ ખાલી
છે. એમ કરો, એક ગ્લાસ મારા માટે પાણી લઈ આવો.
એક દીકરો પાણી લઈને આવ્યો. બાપાએ થોડું પાણી
પીધું અને બાકીનું પાણી બરણીમાં નાખ્યું. પાણી બરણીમાં
સમાઈ ગયું. દીકરા જોતા રહી ગયા. એક દીકરાએ પૂછ્યું,
બાપા તમે શું શિખામણ આપવા માગો છો?
સાંભળો બેટા! મારી ઉંમર થઈ ગઈ છે. હું ક્યારે ઉપર
જઈશ એનો ભરોસો નથી. આથી હું તમને એક શિખામણ
આપવા માગું છું કે આ કાચની બરણી અને બૉલ, આ
ગોટી આ માટી, આ પાણી મેં એટલા માટે મગાવ્યાં હતાં
કે, સંસાર પણ આવો જ છે.
જેમ બરણીમાં બે દડા નાખ્યા એ પતિ-પત્નીની જેમ
છે, પણ પતિ-પત્નીથી સંસાર પૂરો થતો નથી. એટલે
બરણીમાં મેં ગોટી નાખવાનું કહ્યું. એ ગોટીઓ એ
આપણાં બાળકો છે. આટલું નાખ્યા પછી પણ બરણી
અધૂરી હતી, એટલે માટી નાખી, કારણકે માટી એ
આપણાં સગાં-સંબંધી-મિત્રો વગેરે છે જે માટીની જેમ
અહીં દડા તથા ગોટીને જોડી દીધા એમ આપણને પણ
આ બધા સંબંધી સમાજમાં જોડી રાખે છે અને આ જોડ
બહુ જ જરૂરી છે. છેલ્લે મેં પાણી નાખ્યું. જે થોડીઘણી
જગ્યા બચી હતી એ વ્યવસ્થિત પૂરી કરી દીધી અને આ
પાણી એ છે ધર્મ. ધર્મ વગર જીવન સંપૂર્ણ થતું નથી.
છેવટે માણસે ધર્મ તરફ વળવું જ પડે છે.
આટલું કહી બાપાએ શ્વાસ મૂકી દીધો. જતાંજતાં
જીવન જીવવાની ચાવી આપતા ગયા. ધન્ય છે આવા
બાપાને અને ધન્ય આવા સુપુત્રોને જે બાપાની વાત
શાંતિથી સાંભળી અમલ કરે છે.