એક વખત એક ચર્ચમાં ફાધર પ્રાર્થના કરાવતા હતા.
ફાધર સાથે દરેક લોકો પ્રાર્થના બોલતા હતા. અચાનક
ફાધરની નજર એક છ-સાત વર્ષના બાળકની ઉપર પડી.
એ બાળક કંઇક બોલતો હતો, પણ ફાધરને ખબર નહોતી
પડતી કે એ શું બોલે છે. એટલે જ્યારે પ્રાર્થના પૂરી થઇ,
બધા જતા હતા ત્યારે ફાધરે પેલા છોકરાને પાસે બોલાવ્યો
અને પૂછ્યું કે, બેટા! જ્યારે હું પ્રાર્થના બોલાવતો હતો
ત્યારે તું બોલતો હતો એ મેં સાંભળ્યું, પણ હું સમજી
નહોતો શક્યો કે તું શું બોલે છે. મને કહે કે, તું શું
બોલતો હતો? તું પ્રાર્થના કરતો હતો કે બીજું કાંઇક
બોલતો હતો. પેલો બાળક બોલ્યો, ફાધર! તમારી પ્રાર્થના
એટલી અટપટી હતી કે હું કંઇ પણ યાદ રાખું એ પહેલાં
ભૂલી જતો હતો, એટલે મેં છેવટે નક્કી ર્ક્યું કે ચાલ
આખી ABCD જ બોલી નાખું. ઇશ્વર તો બહુ દયાળુ છે.
એને જેવી ગમશે એવી પ્રાર્થના તે પોતે જ બનાવી લેશે
અને ભગવાન જે પોતે જ પ્રાર્થના બનાવે એ માણસે
બનાવેલ કરતાં તો સારી જ હોય ને?
ફાધર જોતા રહી ગયા. તેનો જવાબ આપવા માટે
શબ્દો ન હતા, કારણ બાળક સાચો હતો. આપણે પણ
બાળક જેવા નિર્દોષ બની જઇઅ; તો પ્રાર્થના બોલીએ કે
ન બોલીએ સાચી પ્રાર્થના થઇ જાય.