૨ : ૧૦૫ - અણમોલ માનવઅવતાર

એક કુંભાર હંમેશાં પોતાના આઠ-દશ ગધેડા લઇને
નદીએ માટી ભરવા જાય. એક દિવસ માટી ભરતાંભરતાં
એક ચમકતો પથ્થર જોયો એટલે ખિસ્સામાં મૂક્યો કે ઘરે
છોકરાને રમવા કામ આવશે. નદીએથી પાછા વળતા પોતે
પણ પથ્થરથી રમવા લાગ્યો. ગામની શેરીમાંથી પસાર
થતો હતો ત્યારે એક ઝવેરીની નજર આ કુંભારના હાથમાં
ચમકતા પથ્થર પર પડી એટલે ઝવેરીએ કુંભારને બોલાવી
પથ્થર ૫૦ રૂપિયામાં માગ્યો. કુંભારને થયું કે આ ઝવેરીએ
સામેથી બોલાવી પચાસ રૂપિયામાં પથ્થર માગ્યો એટલે
આ પથ્થરની કિંમત કંઇક વધારે હશે. કુંભારે કહ્યું, નહીં
ભાઇ! મારે વેચવો નથી. એટલે ઝવેરીએ કહ્યું કે, ચાલ
૧૦૦ રૂપિયા આપું છું. કુંભાર વિચારવા લાગ્યો કે આ
નકામો સમજી લીધેલ પથ્થર તો કંઇક કીમતી લાગે છે.
ચાલ ૫૦૦ રૂપિયા માગું. ઝવેરીને કુંભારે કહ્યું ૫૦૦
રૂપિયાથી ઓછે પથ્થર વેચવો નથી. ઝવેરીએ કહ્યું, આટલો
ભાવ કંઇ પથ્થરનો હોય. વિચાર કરીને કાલે આવજે.
આવા પથ્થરની કિંમત તને કોણ ૫૦૦ આપશે!
કુંભાર આગળ નીકળી ગયો. ત્યાં થોડે આગળ જતા
બીજા ઝવેરીની નજર આ પથ્થર પર પડી. એ ઝવેરીએ
કુંભારને દુકાનમાં બોલાવી, કુંભારને પૂછ્યું, ભાઇ! તારે
આ પથ્થર વેંચવો છે. કુંભારે કહ્યું હા, પણ રૂપિયા ૫૦૦થી
ઓછે નથી આપવો. પેલા ઝવેરીએ તુરત ૫૦૦ રૂપિયા
આપી પથ્થર લઇ લીધો.
બીજા દિવસે ફરી કુંભાર નદીએ માટી લેવા ગયો અને
પાછો ફરતો તો ત્યારે પહેલા ઝવેરીએ બોલાવ્યો, કે ભાઇ
હવે તારો શું વિચાર છે? પથ્થર વેંચવો છે કે નહિ? કુંભાર
બોલ્યો, એ તો મેં બાજુની દુકાનવાળાને રૂપિયા ૫૦૦માં
વેંચી નાખ્યો. તમે તો હા-ના કહેતા હતા. પેલાઓ તો
તુરત ૫૦૦ રૂપિયા ગણી દીધા.
ઝવેરીની છાતી બેસી ગઇ. એને એમ કે આ કુંભાર
મૂરખ છે અને સસ્તામાં હીરો મળી જશે, પણ કુંભારે તો
હીરો વેંચી નાખ્યો. કુંભારને ઝવેરી કહે છે, તું તો મૂરખ
છે. તને ખબર નથી કે એ સાચો હીરો હતો. તેની કિંમત
પાંચ હજાર રૂપિયાની હતી અને તેં ૫૦૦માં વેંચી નાખ્યો.
પેલો કુંભાર કહે છે કે, હું તો અભણ-ગવાર હતો, મને તો
એની કિંમત ખબર ન પડી, એટલે ૫૦૦ રૂપિયામાં વેંચી
નાખ્યો. તમે તો ભણેલા, ગણેલા, હીરાપારખું, તોપણ
તમે ૫૦૦ રૂપિયામાં ન લીધો. તમે તો મહામૂરખ છો.
બસ, આપણો માનવભવ આવો મહામૂલ્ય છે અને
કુંભારની જેમ અજ્ઞાનતામાં ન જાય અને લોભી ઝવેરીની
જેમ કિંમત જાણવા છતાં હાથમાંથી નીકળી ન જાય એ જ
અભ્યર્થના.
સાથે આજ આટલું બસ.