૨ : ૧૦૦ - મૌનનો મહિમા

પુરાના જમાનાની આ એક એવી કથા છે જે આજના
નવા જમાનાના માનવીઓએ શીખવા જેવી છે. આજના
નવા સાયન્સના યુગમાં જ્યારે માનવમહેરામણમાં આપણે
ખોવાઇ ગયા છીએ ત્યારે જ્યાં ને ત્યાં માણસોનાં ટોળાં
જોવા મળે છે અને જાતજાતની વાતોનાં વડાં કરતા
થાકતા નથી ત્યારે આ પુરાના જમાનાની કથા કદાચ
ઘણુંબધું શીખવી જાય છે.
એક વખતની વાત છે. એક તળાવના કિનારે બે હંસ
અને એક કાચબો રહેતા હતા. હંસ ઓછું બોલનાર ને જરૂર
હોય ત્યાં જ બોલવાવાળા. કાચબો આખો દિવસ બડબડાટ
કરવાવાળો, પણ કુદરતી હંસો અને કાચબા વચ્ચે દોસ્તી
થતાં સાથે વાતો કરતા અને સાથે હરતાફરતા. હંસો
કાચબાની વાતો સાંભળીને થાકી જતા, પણ દોસ્તીને
નાતે કશું બોલતા નહિ. બધું ચલાવી લેતા.
એક દિવસ બન્ને હંસોએ વિચાર ર્ક્યો કે, ચાલો આપણે
થોડા દિવસ માટે માનસરોવરની મુલાકાત કરી આવીએ.
બન્ને હંસોએ માનસરોવર જવાની તૈયારી કરવા માંડી એટલે
કાચબાએ પૂછ્યું કે ભાઇઓ, તમે શાની નૈયારી કરો છો?
અમે બન્ને થોડા દિવસ માટે માનસરોવર ફરવા જઇએ
છીએ. કાચબાથી રહેવાયું નહીેં, તરત જ કહ્યુુંુંં, મારે પણ
આવવું છે, મને પણ સાથે લઇ જાવ. હું તો તમારી જેમ
ઊડી શકું તેમ નથી, પણ તમે કંઇક ઉપાય કરી મને
તમારી સાથે લઇ જાવ. મેં માનસરોવર માટે ખૂબ સાંભળ્યું
છે, પણ જોયું નથી. તમે તો મારા મિત્ર છો, તો આટલું
કામ કરો. હંસોને કાચબા પર દયા આવી, પણ હંસોને

એક જ ડર હતો કે કાચબાને બડબડ કરવાની એટલી બૂરી
ટેવ હતી કે સાથે લઇ જતા માનસરોવરના હંસો કહેશે કે
આ મૂરખને ક્યાં ભેગો લઇ આવ્યા.
હંસોએ કાચબાને કહ્યું કે, ભાઇ તારી બોલવાની જે
આદત છે એ ત્યાં નહીં ચાલે. અમારા હંસો જરૂરિયાત હોય
એટલું જ બોલે છે. જો તારે આવવું જ હોય તો એક સરત
છે કે, તારે મૌન જ રહેવું.
કાચબો બોલ્યો, હું પ્રતિજ્ઞા કરું છું કે તમે પૂછશો એનો
જ જવાબ આપીશ. બાકી હું મૌન જ રહીશ.
હંસોને કાચબા પર દયા આવી. ચાલ ત્યારે અમે તને
માનસરોવર બતાવવા લઇ જઇશું. કાલે આપણે ત્રણે સફર
પર નીકળશું.
બીજા દિવસે કિનારા પર પડેલ એક લાકડું બતાવીને
કહ્યું કે, જો આ લાકડાના બન્ને છેડા પર અમે ચાંચથી
પકડીને ઊડશું ત્યારે તારે વચ્ચે લાકડું પકડી લટકવાનું છે.
કાચબો બોલ્યો ભલે.
હંસોએ યાત્રા શરૂ કરી. જેમજેમ આકાશ તરફ ઊડવા
લાગ્યા, કાચબાના આનંદનો પાર ન રહ્યો. આસમાનમાં
આમ ઊડવું એના માટે તો એક નવો જ અનુભવ હતો.
આ આનંદ વ્યક્ત કરવા જતો હતો ત્યાં તેણે મૌનની
પ્રતિજ્ઞા કરી હતી એ યાદ આવતા મૌન રહ્યો. થોડા
આગળ ગયા ત્યાં નીચે એક સુંદર ગામ દેખાયું. કાચબો
તો જોઇને ખુશખુશાલ થઇ ગયો. નીચે ઊભેલા માણસો
મોટેમોટેથી વાતો કરતા હતા કે આ હંસો કેવા બેવકૂફ છે
કે મરેલા કાચબાને લઇને ઊડે છે. કાચબાથી રહેવાયું નહીં.
તુરત બોલ્યો, હું મરેલો નથી, જીવતો છું. આટલું બોલ્યો
ત્યાં તો મોઢામાંથી લાકડું નીકળી ગયું અને કાચબો ધડાક
દેતો જમીન પર પડ્યો ને એનું પ્રાણપંખેરું ઊડી ગયું.
એટલે જીવનમાં જરૂરત કરતાં વધારે બોલવું નહિ. બીજા
પૂછે ત્યારે જ જવાબ આપવો. આ છે ‘‘મૌનનો મહિમા.’’