એક મહાન વિચારક જેનું નામ તમે સાંભળ્યું હશે. તેનું
નામ હતું વાચસ્પતિ. તેઓ પોતાના અભ્યાસમાં હંમેશાં
મસ્ત રહેતા.
એક દિવસ તેના પિતાએ ક્હ્યું કે, હવે હું વૃદ્ધ થઇ ગયો
છું અને મારું ક્યારે મૃત્યુ થાય એ કહેવાય નહીં. તું મારો
એકનો એક દીકરો છે, એટલે તને કહું છું કે તું લગ્ન
કરી લે.
વાચસ્પતિ અધ્યયનમાં એટલા ડૂબેલા હતા કે તેઓ
બોલ્યા ઠીક છે. એને ખબર નહોતી કે તેના પિતા શું કહી
રહ્યા છે. આથી તેના પિતાએ વાચસ્પતિની સંમતિ સમજી
લગ્ન કરાવી નાખ્યાં, પરંતુ વાચસ્પતિ ભૂલી ગયા કે
તેમની કોઇ પત્ની છે. એ પોતાના અધ્યયનમાં ઊંડા
ડૂબેલા હતા. તેની પત્ની તેને બહુ જ પ્રેમ કરતી હતી અને
તેથી તે તેના કામમાં અડચણ બનવા માગતી નહોતી.
આમ ને આમ બાર વર્ષ પસાર થઇ ગયાં, પણ તે તેની
સેવા કરતી જ રહી.
દરેક વસ્તુનું બરાબર ધ્યાન રાખતી. કોઇ પણ જાતની
ખલેલ પહોંચાડતી નહીં. કદી કહ્યું નહીં કે હું અહીં ઊભી છું
ને તમે ક્યાં જુઓ છો?
વાચસ્પતિ એક ભાષ્ય સતત લખી રહ્યા હતા. જેટલી
વ્યાખ્યાઓ લખવામાં આવી છે તેમાંની એક મહત્તમ
વ્યાખ્યા ‘‘બાદરાયણના બ્રહ્મસૂત્ર’’ પરની વ્યાખ્યા તેઓ
લખી રહ્યા હતા અને તેમાં વાચસ્પતિ એટલા ડૂબેલા હતા
કે, તેઓ કેવળ પોતાની પત્નીને જ ભૂલ્યા નહીં, પરંતુ
તેમને પોતાનું ભાન પણ રહ્યું ન હતું, કે કોણ ભોજન
લાવે છે, કોણ થાળી પાછી લઇ જાય છે, કોણ સાંજે
દીવો પ્રગટાવીને મૂકી જાય છે, કોણ પથારી પાથરે છે.
બાર વર્ષ પસાર થઇ ગયાં અને એક રાતે તેની વ્યાખ્યા
પૂરી થઇ ગઇ. તેમણે એક અંતિમ શબ્દ લખવાનો હતો
અને તેમણે પ્રતિજ્ઞા કરી કે જ્યારે વ્યાખ્યા પૂરી થશે ત્યારે
તેઓ સંન્યાસી બની જશે અને સંસાર સાથેનો સંબંધ
સમાપ્ત થઇ જશે.
એ ભાષ્ય, એ વ્યાખ્યા તેમનું એકમાત્ર કર્મ હતું, જેમણે
પરિપૂર્ણ કરવાનું હતું. એ રાતે તેઓ થોડા વિશ્રાંતિમાં
હતા, કારણકે તેમણે લગભગ બાર વાગ્યે અંતિમ વાક્ય
પૂર્ણ કરી નાખ્યું હતું. પ્રથમ વખત તેમને આજુબાજુ
જોવાનું સૂઝ્યું. દીવો ધીમેધીમે સળગી રહ્યો હતો અને તેને
વધારે તેલની જરૂર હતી. એક સુંદર હાથ તેમાં તેલ ઉમેરી
રહ્યો હતો. એણે પાછળ નજર કરી એ જોવા માટે કે ત્યાં
કોણ ઊભું છે. તેઓ ચહેરો ઓળખી શક્યા નહીં અને
બોલ્યા, ‘‘તમે કોણ છો અને અહીં શું કરી રહ્યાં છો?’’
પત્ની બોલી, હવે જો આપે પૂછી જ લીધું છે તો મારે
કહેવું જોઇએ કે બાર વર્ષ પહેલાં આપે મને પત્ની તરીકે
ગ્રહણ કરી હતી, પરંતુ આપ આપના કામમાં એટલા
ગળાડૂબ હતા કે આપના કાર્યમાં હું વિઘ્ન નાખવા,
શાંતિમાં ભંગ કરવા નહોતી માગતી. વાચસ્પતિ રડવા
લાગ્યા. તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. પત્નીએ
પૂછ્યું, શું વાત છે? ઘણી જટિલ વાત છે. હવે તો હું
ધર્મસંકટમાં મુકાઇ ગયો છું. હું ગભરાઇ રહ્યો છું, કારણકે
વ્યાખ્યા પૂરી થઇ ગઇ છે અને હું સંન્યાસી બનવા જઇ
રહ્યો છું અને હું ગૃહસ્થ બની શકું તેમ નથી. હું તારો પતિ
બની શક્યો નહીં. વ્યાખ્યા પૂરી થઇ ગઇ અને મેં પ્રતિજ્ઞા
કરી છે. હવે મારી પાસે કોઇ સમય નથી. હું તરત જઇ
રહ્યો છું. તેં મને પહેલાં શા માટે ના કહ્યું? હું તને પ્રેમ કરી
શક્યો હોત, તારી સેવા, તારા પ્રેમ અને તારી નિષ્ઠા માટે
હવે હું શું કરી શકું? બ્રહ્મસૂત્ર પર પોતાના ભાષ્યનું નામ
તેમણે ‘‘ભામતી’’ આપ્યું. ભામતી તેમની પત્નીનું નામ
હતું. વિચિત્ર નામ છે. ‘‘બાદરાયણના બ્રહ્મસૂત્ર’’ના ભાષ્યને
‘‘ભામતી’’ કહેવું વિચિત્ર લાગે છે. તે નામ સાથે ભાષ્યનો
કોઇ સંબંધ જોડાતો નથી, પરંતુ તેમણે કહ્યું કે, હવે હું
બીજું કશું કરી શકતો નથી. કેવળ પુસ્તકનું નામ લખવાનું
જ બાકી છે, તેથી હું તેનું નામ ‘‘ભામતી’’ રાખીશ જેથી
કરીને તારું નામ હંમેશાં યાદ રહેશે.
તેમણે ઘરનો ત્યાગ ર્ક્યો. પત્ની રડતી રહી, આંસુ
વહાવી રહી હતી, પરંતુ દુઃખનાં નહીં આનંદનાં. તે બોલી
આટલું પર્યાપ્ત છે. તમારી આ ભાવદશા, ‘‘તમારી
આંખોમાં છલકાતો આ પ્રેમ પર્યાપ્ત છે.’’ મેં બધું જ
મેળવી લીધું. તમે અપરાધીભાવ ના અનુભવશો અને મને
તમે ભૂલી જજો.
આ સંભવ છે કે જો તમે કોઇ પણ ચીજમાં સંપૂર્ણપણે
ડૂબી જાશો તો કામવાસના અદૃશ્ય થઇ જાય છે. સમગ્ર
ઊર્જા ઉપયોગી બની જાય છે. ત્યારે કામવાસના અદૃશ્ય
થઇ જાય છે અને તે જ સાચી બ્રહ્મચર્યની અવસ્થા.