૨ : ૯૭ - સંસારમાં સાધક ત્રણ પ્રકારના

સંસારમાં સાધક ત્રણ પ્રકારના હોય છેઃ પહેલા પ્રકારનો
સાધક માત્ર કુતૂહલતાને કારણે મંદિરે કે ઉપાશ્રયે જાય છે.
આવો સાધક કોઇ સગાં-સંબંધીને ત્યાં થયેલ અવસાન
કે પોતાને ત્યાં થયેલ દુઃખદ ઘટના કે પછી કોઇ એવી
બીમારીને હિસાબે મનમાં આવેલ સંસાર પરની વૈરાગ્યતા
ને કારણે. આવો સાધક મંદિરે પહોંચી જાય છે અને સાધુ-
સંતોનાં પ્રવચન સાંભળી પરમાત્માને પામવા માટે કે
જીવનની મુક્તિ કાજે આકર્ષિત થાય છે, પણ આકર્ષણ
માત્ર કુતૂહલતાથી વિશેષ હોતું નથી.
આ માત્ર એક બાળકની રુચિ જેવું હોય છે. બાળકને
જોતું તો લાગશે કે, બાળક જે રમકડાથી રમતો હોય છે
એને થોડી વાર પછી ફેંકી દે છે અને બીજા રમકડાથી
રમવા લાગે છે. આ માત્ર એક કુતૂહલતાથી વિશેષ કંઇ
નથી.
જેમ કોઇ માણસ આંબાની ગોટલી વાવે અને દરરોજ
સવારે કાઢીને જુએ તો એ ગોટલીમાંથી આંબો ઊગે નહીં,
એ આંબો અંકુરિત થયા વગર જ નષ્ટ થઇ જાય. આવી
રીતે આવા શ્રાવક કહો, સાધક કહો, એ પરિણામ સુધી
પહોંચી શકતા નથી.
બીજા પ્રકારના સાધકમાં આત્માની શોધ કરવાની
તાલાવેલી સારી હોય છે. તેનામાં જીવનના રહસ્ય જાણવાની
ઉત્સુકતા હોય છે, પણ આવા સાધક પણ સાચા ધાર્મિક
નથી બની શકતા.
એક ફિલૉસૉફરની જેમ હરેક વસ્તુની છણાવટ કરીકરીને
સવાલો ઊભા જ કરતો રહે છે. નવાનવા સવાલો કરી
કોયડાને ઉકેલવાને બદલે ગૂંચવણમાં પડતો જાય છે.
આમાં પોતાના જ્ઞાનના અહંકારમાં વધુ ને વધુ ફસાતો
જાય છે અને પોતાનું જે ધ્યયે પ્રાપ્ત કરવાનું હતું તેનાથી
દૂર થતો જાય છે.
હવે ત્રીજો શ્રાવક કહો કે સાધક, એ કંઇક સત્ય પામવા
માટે મથે છે. સાચા ગુરુની શોધમાં હોય છે અને જ્યારે
ગુરુની તલાશ કરતાકરતા એ મળી જાય છે ત્યારે તે પ્રશ્નો
પર પ્રશ્નો ન પૂછતા પોતાને સમર્પણ કરી દે છે અને આ
જ સમર્પણભાવ એ જે વર્ષોથી ગોતતો હતો તે મેળવી
આપે છે. બસ જરૂર છે સમર્પણની, પણ આજનો માનવી
એટલો અહંકારી થઇ ગયો છે કે સમર્પણ જ ભૂલી ગયો
છે. મુખ્ય રાજમાર્ગ ભૂલી ગલીગૂંચીમાં ભૂલો પડી ગયો છે.
સાચા સાધકે આવા બધા નાના ખયાલ રાખી
આત્મસાધના તરફ આગળ વધવાનું છે.
આપણે ત્રીજા સાધક જેવા બની આત્મકલ્યાણને માર્ગે
નીકળી પડીએ એ અભ્યર્થના સાથે આજ આટલું બસ...