એક વખત એક ચિત્રકાર દુનિયાનું સર્વશ્રેષ્ઠ ચિત્ર
બનાવવા માગતો હતો. પીંછી અને રંગ લઇ કૅન્વાસ પર
રંગ ભરવા માટે તૈયાર થયો. પહેલું ચિત્ર ‘‘ઘુઘવાટ’’ કરતો
દરિયો દોરી બતાવવા માગતા હતો કે, જુઓ! આ સંસાર
દરિયા જેવો કેવો ઘુઘવાટ કરે છે. જીવનમાં ભરતી-ઓટ
દરિયાની જેમ જ આવે છે અને જાય છે.
ચિત્ર જોઇને લાગ્યું કે, આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ચિત્ર ન
બની શકે, કારણકે આમાં જોઇએ એવી ખૂબી દેખાતી
નથી. જીવનના બધા જ રંગ સમાઇ જાય એવું કોઇ ચિત્ર
જોઇએ.
ફરી ચિત્રકાર વિચારે ચડ્યો. બીજું ચિત્ર બનાવવા બેઠો,
જેમાં એક બાળક સવારના ઊગતા સૂર્યમાં રમે છે અને
બીજી બાજુ સાંજનો ઢળતો સૂર્ય, જેમાં કોઇ વૃદ્ધ, પુત્રનો
હાથ પકડી જતો દેખાય. આમાં એ ચિત્ર જીવનની શરૂઆત
અને અંત બતાવતું હતું, પણ ચિત્રકારને આ ચિત્ર પણ
મનમાં વસ્યું નહીં. તે પણ એણે તોડી નાખ્યું.
ત્રીજું ચિત્ર જંગલમાં ખળખળ વહેતી નદી, નાની એવી
વૃક્ષોની હારમાળા અને વૃક્ષો પર કલરવ કરતાં પંખીઓ,
બાજુમાં ઘાસ પર ચરતાં પશુઓ જે જોઇને જીવનસંગીત
પૂર્ણ લાગે.
આ ચિત્ર પણ મનમાં બેઠું નહીં અને આખિર એ પણ
તોડી નાખ્યું. આખા દિવસની દરિયાકિનારે, નદી-કિનારે
બધી રખડપટ્ટીથી થાકીને ઘરે આવી ખાટલા પર બેઠો.
એટલામાં તો એનો છ-સાત વર્ષનો દીકરો એના ખોળામાં
આવી બેસી ગયો. ચિત્રકાર દીકરાના માથા પર હાથ
ફેરવતોફેરવતો વિચાર કરવા લાગે છે. ત્યાં તેની બાર-તેર
વરસની દીકરી પાણીનો ગ્લાસ લઇને આવે છે ને કહે છે,
પપ્પા! બહારથી થાકીને આવ્યા છો, આ પાણી પીઓ,
સારું લાગશે.
ચિત્રકાર જોઇ રહ્યો. જાણે એના વિચારો હિલોળે ચડ્યા
હોય એમ મનમાં એક પછી એક વિચાર દોડવા લાગ્યા.
એટલામાં રસોડામાંથી પત્ની આવીને પૂછે છે, સવારથી
બહાર ગયા હતા, થાકી ગયા હો એમ લાગે છે. તમારા
ચહેરા પર આટલી ઉદાસીનતા મેં કદી જોઇ નથી. હવે
હાથ-મોઢું ધોઇ લો, રસોઇ તૈયાર છે. પહેલા જમી લો,
પછી બધી વાતો કરશું.
ચિત્રકારને મનમાં એક ચમકારો થયો. પત્નીને કહે,
અહીં મારી બાજુમાં ઊભી રહે. બસ, હાથમાં પીંછી લીધી
અને કૅન્વાસ પર એક માણસ ખાટલા પર બેઠો છે,
ખોળામાં નાનો દીકરો બેઠો છે ને નાની દીકરી પાણીનો
ગ્લાસ એના પિતાને આપે છે અને પત્ની બાજુમાં ઊભા
રહીને જુએ છે. ઘરઆંગણે નાનાં પક્ષીઓ દાણા ચણે છે.
સૂરજ આથમવાની તૈયારીમાં છે. આવું ચિત્ર ચિત્રકારે
કૅન્વાસ પર ઉતારી લીધું અને નામ આપ્યું ‘‘મારું ઘર.’’
કહેવાય છે કે, એ ચિત્ર દુનિયાનું સર્વોત્તમ ચિત્ર સાબિત
થયું.
ચિત્રકાર એ પછી ક્યારેય એવું સર્વશ્રેષ્ઠ ચિત્ર બનાવી
શક્યો નહીં. ‘‘દુનિયાનો છેડો ઘર’’ ને ‘‘શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ
ઘર.’’