જૂના જમાનાની વાત છે, જ્યારે બૅન્કો નહોતી. માણસો
પોતાના દાગીના, રૂપિયા બધું ઘરમાં જ રાખતા. એક
વખત એક પિતાને વિચાર આવ્યો કે મારી દીકરી મોટી
થવા આવી છે અને લગ્નને હવે બે-ત્રણ વર્ષ છે. એટલે
એનાં લગ્ન માટે થોડા રૂપિયા જમા કરું.
આથી એણે થોડા રૂપિયા જેવા જમા થયા કે તુરત મા
વગરની પોતાની દીકરીને બોલાવી કહ્યું, બેટા! આ
સાચવીને રાખી દે. એવી જગ્યાએ રાખજે કે ચોર ચોરી ન
જાય.
ભલે પિતાજી, તમે ફિકર ન કરો, હું એવી જગ્યાએ
રાખીશ જ્યાં ચોર પણ નહીં પહોંચે... દીકરીએ કહ્યું.
પિતાને દીકરી પર પૂરો વિશ્વાસ હતો. સમય વીતતો ગયો.
હર મહિને પિતા થોડાથોડા રૂપિયા જમા કરવા દીકરીને
આપતો. એક દિવસ પિતાને વિચાર આવ્યો કે, લાવ પૂછી
તો જોઉં કે રૂપિયા બરાબર યોગ્ય જગ્યાએ રાખે છે કે
નહિ?
દીકરીને બોલાવીને પૂછે છે, બેટા! મેં તારાં લગ્ન માટે
જે રૂપિયા સાચવવા આપેલ હતા તે ક્યાં મૂક્યા છે? જરા
જોઇ લઉં કે, કેટલા રૂપિયા જમા થયા છે?
પેલી દીકરી રૂમમાં જઇને ‘‘ગીતા’’ લઇ આવી ને
પિતાના હાથમાં મૂકે છે. પિતા જોઇને આશ્ચર્યમાં પડી જાય
છે. દીકરીને પૂછે છે, બેટા! આમ ‘‘ગીતા’’માં મૂકેલ
રૂપિયા કોઇ ચોરની નજરમાં આવી જાય તો ચોરને લઇ જતા શું વાર લાગે? આવી રીતે ‘‘ગીતા’’માં રૂપિયા ન
રખાય બેટા!
બેટી બોલી, પિતાજી! ચોર ‘‘ગીતા’’ને ખોલે નહીં
અને જે ગીતાને ખોલે એ ચોર હોય નહીં અને ભૂલથી
ખૂલી જાય તો ચોર મૂકીને ચાલ્યો જાય.
મારો કૃષ્ણ જ્યાં હોય ત્યાં સહીસલામતી જ હોય. મને
ખાતરી છે કે, ‘‘ગીતા’’ જેવી સલામત જગ્યા ઘરમાં
બીજે ક્યાંય નથી.
પિતા સાંભળી ખુશખુશાલ થઇ ગયા. બેટી માટે એને
માન થયું.
‘‘નાના મોઢે કેવી મોટી વાત.’’