૧: ૧૦૨ - “મારે પહોંચવાનું ત્યાં હતું જ્યાં હું હતો”

આ વાત મારી નથી કે તમારી નથી. આ બુદ્ધની વાત છે. બુદ્ધને જયારે જ્ઞાન થયું ત્યારે લોકોએ પૂછ્યું આપ પહોંચી ગયા ? આપ જે પામવાનું હતું તે પામી ગયા ? ત્યારે બુદ્ધ કહે છે કે હવે આવું બધું ન પૂછો. હવે કઈ રીતે કહું કે હું પામી ગયો, કારણ કે જે પામેલ જ હતું તેને આજે ઓળખ્યું. લોકોએ પૂછ્યું કયા રસ્તેથી પહોંચ્યા? બુદ્ધે કહ્યું, કોઈપણ રસ્તેથી નથી પહોંચ્યો, કારણ કે બધા જ રસ્તા ત્યાં પહોંચાડતા હતા. જ્યાં હું ન હતો. મારે તો પહોંચવાનું ત્યાં હતું જ્યાં હું હતો જ. પહોંચવાનો કોઈ રસ્તો નથી. આપણે ત્યાં જ છીએ, કારણ કે જ્યાં આપણે છીએ ત્યાં જ પરમાત્મા છે. સત્ય ત્યાં જ છે જયાં આપણે સદા છીએ.

બુદ્ધને લોકો પૂછતા કે પરમાત્માને અમે કેવી રીતે શોધીએ ? બુદ્ધ કહેતા કે તમે ખોયો કઈ રીતે ? ત્યારે લોકો કહેતા કે એ તો અમને ખબર નથી. બુદ્ધ કહેતા કે જેને ખોયો જ નથી તેને શોધો જ નહિ. તમે આ શોધ જ છોડી દો. પરમાત્મા એ આપણો પોતાનો સ્વભાવ છે. તેને આપણે ખોઈ જ નથી શકતા. એ જ શ્વાસ લે છે. એ જ ચેતન છે. એ જ બોલે છે. એ જ સાંભળે છે. અને આપણે કઈ રીતે ખોઈ શકીએ ?

જેને શોધી રહ્યો છું. એ તો હું જ છું. જ્યાં પહોંચવા માંગું છું ત્યાં હું જ છું. એક પળ માટે આ બોધ સઘન થઈ જાય ત્યારે આપણે એકદમ અંધારામાંથી પ્રકાશમાં આવી જઈએ છીએ. આપણે પૂરા બદલાઈ નવ માણસ બની જઈશું. પછી જેમ નાટકને કલાકાર અંદરથી સમજે છે કે હું રામ નથી. માત્ર રામનું પાત્ર ભજવું છું. બસ આપણે પણ આવા થઈ જવું.

આપણે સમયે સમયે માર્ગ બદલતા રહીશું, કારણ કે એકથી કંટાળી બીજો માર્ગ પકડી લઈશું. હિંદુ ઈસાઈ થઈ જાય છે. ઈસાઈ હિંદુ થઈ જાય છે. કોઈ આગમ છોડી ગીતા પકડી લે છે તો કોઈ ગતા છોડી જૈનના આગમ પકડી લે છે. કોઈ એક ગુરુ છોડી બીજાને ત્રીજાને આમ બદલતા જ રહે છે. પણ જયારે તમે કહેશો કે હવે કોઈ ગુરુ નહીં, કોઈ માર્ગ નહીં, કોઈ શાસ્ત્ર નહીં તે દિવસે એક ક્રાંતિ ઘટિત થાય છે. જેનું નામ ધર્મ છે.

આપણે ધર્મ કરવા અહીં તહીં ભટકીએ છીએ. ક્યારેક મંદિરે તો ક્યારેક માતાજીના મઢ ઉપર તો કયારે દરગાહ ઉપર તો ક્યારેક વળી માહિમના ચર્ચ ઉપર. જ્યાં આપણી વાસના પૂરી થતી હોય ત્યાં દોડીએ. આ વાસના રૂપિયાની, સત્તાની, કોઈપણ સંસારના સુખની જ હોય છે. સાચા ધર્મની અંદરથી કોઈ ભૂખ હોય એવું આજના યુગમાં કયાંય દેખાતું નથી. બુદ્ધની જે વાત છે એ વાત તો – જ્યારે આપણને અંદરની સાચી તાલાવેલી લાગી હોય ત્યારે રસ્તો ગોતવાની ઇચ્છા થાય. આપણને તો માત્ર ઘાવની ઉપર ઉપરની મલમપટ્ટીમાં જ રસ છે પણ ઘાવ ઉપર ઉપરથી રુઝાય. એ અંદર તો તાજો જ રહી જાય છે. સત્ય જયારે સમજાઈ જાય છે ત્યારે માણસ અંદરના ઘાની ફિકર કરે છે અને અંદરની ફિકર થાય છે. ત્યારે જ બુદ્ધના શબ્દોની સાચી સમજ પડે છે.